રાજયમાં કોરોનાના ટેસ્ટ માટે લોકો કતારો લગાવી રહયાં છે ત્યારે અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોને વાહનોમાંથી ઉતાર્યા સિવાય જ તેમના નમુનાઓનું એકત્રિકરણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ટેસ્ટ કરાવવા આવનારા લોકોએ સૌથી પહેલા લેબ દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં QR કોડ સ્કેન કર્યો હતો અને બાદમાં પોતાના વાહનો સાથે લોકો મેદાનની અંદર આવ્યાં હતાં. જયાં વાહનમાંથી લોકોને નીચે ઉતાર્યા સિવાય જ નમુના લેવાયાં હતાં. માત્ર પાંચ મિનિટમાં સેમ્પલ લેવાની કાર્યવાહી પુર્ણ થઇ જતી હતી.
ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરી દ્વારા 10 જેટલાં કલેક્શન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત વોકિંગ ટેસ્ટ સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો જાતે આવી લાઈનમાં આવીને ટેસ્ટ કરાવતા હતા.ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના ડાયરેક્ટર ડો. સંદીપ શાહના જણાવ્યા મુજબ, સુફલામ સોફ્ટવેરના માધ્યમથી આખું કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યુ છે. લોકો અહીં આવીને અથવા ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.