અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સર્જાય હતી. જેમાં 2 શ્રમિકો દટાય જતાં બન્નેના મોત નીપજ્યાં હતા. બનાવના પગલે ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી રેસક્યું કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, નારણપુરા વિસ્તારમાં ચાલી રહેલ કામગીરી દરમ્યાન ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકો માટી નીચે દટાયા હતા. બનાવના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતી વિસ્તારના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા રેસક્યું હાથ ધર્યું હતું.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આ મજૂરો ખોદકામ દરમ્યાન કામ કરતા હતાં, ત્યારે પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતાં શ્રમિકો માટીમાં દટાયા હતા, ત્યારે 1 કલાકની ભારે જહેમત બાદ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 પૈકી 2 શ્રમિકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 1 શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
