અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું અને ઝડપથી વિકસતું શહેર છે. પશ્ચિમ અમદાવાદની સાથે પૂર્વ અમદાવાદમાં પણ વિકાસ પુરપાટ ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં રૂપિયા 165 કરોડના ખર્ચે શહેરનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિકાસની સાથે હવે તંત્ર પૂર્વ વિસ્તારમાં પણ ઓવરબ્રિજનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. અમદાવાદ ઇસ્કોનથી ગાંધીનગર 25 મિનિટમાં પહોંચી જવા માટે SG હાઈવે પર અનેક મોટા બ્રિજ નિર્માણ પામી રહ્યા છે. જેમાં ઝાયડસથી ગોતા બ્રિજ વચ્ચેના બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. તેના નિર્માણ બાદ ગાંધીનગર જવા માટે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થઈ જશે.
તો હવે પૂર્વ વિસ્તારમાં પણ રૂપિયા 165 કરોડના ખર્ચે અમદાવાદનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. એએમસી દ્વારા નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધીના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાશે. અમદાવાદનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ 2.5 કિમી લાંબો હશે. જેના સંપૂર્ણ નિર્માણકાર્ય ટારગેટ વર્ષ 2025માં પૂર્ણ કરાશે, ત્યારે શહેરનો સૌથી મોટો બ્રિજ આગામી દિવસોમાં અમદાવાદની શોભામાં વધારો કરશે.