/connect-gujarat/media/post_banners/e98cdfe50499f29146bfb2d9d53bee924fffca86f952a23525096ff9a1093f03.webp)
અમદાવાદ શહેર સહિત આસપાસના અનેક શહેરોમાં ઇકો ગાડી સાઇલેન્સર ચોરી કરનાર ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ત્રણેય આરોપીઓ પાસેથી ઇકો ગાડી સાઇલેન્સર 15 નંગ, લોખંડના સળિયા, પકડ, હથોડી, પાના અને એક ગાડી સહિત રૂપિયા 15 લાખ 50 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે 143 જગ્યાએથી કુલ 192 સાઇલેન્સરની ચોરી કરી હતી. પોલીસે કરેલી તપાસમાં મળતી માહિતી પ્રમાણે, પકડાયેલા આરોપીઓ અમદાવાદ, આણંદ જિલ્લાના વિસ્તારમાં રાતના સમયે પાર્કિંગમાં પાર્ક કરેલી ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતા હતા. તેમાંથી મળતી પેલેડિયમ અને સોડિયમ ધાતુને કાઢી લેતા હતા. ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ તથા ફૈઝાન નામના માણસો મારફતે દિલ્હી વેચતા હતા. આ ઉપરાંત આરોપીઓ સાયલેન્સરમાંથી કિમતી ધાતુ કાઢીને પોતાની પાસે રાખી હતા, અને જ્યારે નવી જગ્યાએ ચોરી કરે ત્યારે નવું સાયલેન્સર કાઢીને જૂનું લગાવી દેતા હતા. આ ત્રણેય આરોપીએ કેટલાક ઇસમો સાથે મળીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં પશ્ચિમમાંથી 192 સાયલેન્સર તથા આણંદના બોરસદ, કરમસદ, પેટલાદ સહિતના વિસ્તારોમાંથી 10 જેટલા સાયલેન્સર ચોરી કર્યા હતા.