Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૩૮ ડમી સીમકાર્ડ બનાવી દીધા,પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાત એટીએસની ટીમે ડમી સિમ કાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે જેના આધારે ગઇકાલે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

X

ગુજરાત એટીએસની ટીમે ડમી સિમ કાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે જેના આધારે ગઇકાલે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બંને શખ્સે રૂપિયા કમાવવાની લાલચે તેના જ કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૩૮ ડમી સીમકાર્ડ બનાવી દીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમદાવાદ એસઓજીની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચામુંડા કૃપા નિવાસમાં રહેતા અંકિત પરમારની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. અંકિતના ફોટોગ્રાફ્સના આધારે અલગ અલગ નામે સીમકાર્ડ ઇશ્યૂ થઇ ગયાં હતાં. એસઓજીએ અંકિત સમક્ષ હકીકત રજૂ કરી ત્યારે તે પણ ચોંકી ગયો હતો અને બાદમાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. અંકિત વર્ષ ૨૦૧૮માં મણિનગર ક્રોસિંગ પાસે આવેલી માહી એન્ટરપ્રાઇઝ નામના એરટેલના સ્ટોરમાં કોલર તરીકે નોકરી કરતો હતો. અંકિતનું કામ ગ્રાહકોને ફોન કરીને પોસ્ટપેડ કાર્ડ લેવા માટે સમજાવવાનું હતું. માહી એન્ટરપ્રાઇઝ ના માલિક રાહુલ ગજ્જર છે. રાહુલ ઘણી વખત અંકિતના ફોટોગ્રાફ્સ પાડતો હતો. જેથી આ મામલે અંકિતે રાહુલ પૂછતાં તે જણાવતો કે કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરવા માટે ફોટોગ્રાફ્સ પાડી રહ્યો છે. અંકિતના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને રાહુલ અને જૈમિને ૩૮ ડમી સીમકાર્ડ ઈશ્યૂ કરી લીધાં હતાં. માહી એન્ટરપ્રાઇઝ સ્ટોરમાં જે ગ્રાહક પોતાના આધાર કાર્ડ તેમજ ડોક્યુમેન્ટ આપીને સીમકાર્ડ ખરીદતા હતા ત્યારે રાહુલ અને જૈમિન તે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી સીમકાર્ડ ખરીદી લેતા હતા અને બાદમાં તેને ઊંચા ભાવે વેચી દેતા હતા. કોમન એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહક ડીટેલ ભરતા હતા અને ફોટોગ્રાફ્સમાં અંકિતનો ફોટો અપલોડ કરતા હતા. ફોર્મ ભરાઈ ગયા બાદ ડમી સીમકાર્ડ લઈ લેતા હતા. બંને શાતિરોએ ભેગા થઇને અંકિતના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને કુલ ૩૮ સિમકાર્ડ ખરીદી લીધાં હતાં. એસઓજીએ માહિતીના આધારે જૈમિન અને રાહુલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Next Story