ચાંદખેડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ જમીનના કેસમાં વૃધ્ધાને ઢસડીને ઘરની બહાર કાઢી હોવાની ઘટના બાદ છ પોલીસ કર્મચારીઓ પર સસ્પેન્સનની ગાજ વરસી છે.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસ કર્મચારીઓએ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કરી દીધાં છે જયારે પીઆઇ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યાં છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતાં વૃધ્ધ દંપતિના નિવાસે પહોંચેલી પોલીસે વૃધ્ધા સાથે બેરહેમી કરી તેને ઢસડીને ઘરની બહાર કાઢી હતી. ઘટના બાદ વૃધ્ધાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યા બાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ તપાસના આદેશ કર્યા હતાં જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના છ પોલીસકર્મીઓ દોષિત જણાતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે. જયારે પીઆઇ કે.વી.પટેલ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો વૃધ્ધ દંપતિના પુત્ર અને ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી વિજય રાઠોડ વચ્ચે પૈસા બાબતનો વિવાદ ચાલી રહયો છે અને તેના સંદર્ભમાં વિજય રાઠોડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે, તથા ફરિયાદીને વળતર પેટે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે...