નડિયાદના 9 વર્ષનો બાળક મકાનની અગાસી ઉપર પતંગ ચગાવતો હતો. તેનો પતંગ કપાવાથી તેને પકડવા માટે દોડ્યો અને મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટના હાઇવોલ્ટેજ વાયરને અડી ગયો હતો. માસુમ બાળકના શરીરમાંથી 11 હજાર વોટનો કરંટ પસાર થતાં તે દુર સુધી ફંગોળાયો અને તેના શ્વાસ બંધ થઇ ગયાં.. તેનું શરીર ભુરૂ પડી ગયું હતું અને નાક તથા મોઢામાંથી લોહીની શેરો ફુટવા લાગી હતી. આખરે તે કોમામાં સરી પડયો અને પરિવારે તેના બચવાની આશા છોડી દીધી હતી.
જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા બાળકને ગંભીર હાલતમાં મેમનગરની ડીવાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમે બાળકનો ઉપચાર શરૂ કર્યો હતો. ડોક્ટર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આવા કેસ જવલ્લેજ જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે. અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો સામાન્ય સ્થિતિમાં છે.