અમદાવાદના દાણીલીમડામાં ચંડોળા તળાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી, ત્યારે ફાયરફાઇટરોએ 12 જેટલા ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક આવેલ BRTS વર્કશોપ પાસેના એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી હતી, ત્યારે લોકોએ ફાયર ફાઇટરોને બનાવની જાણ કરતાં કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે, ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકમાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગને બુઝાવ્યા બાદ હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.