Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સરકારી મેલ આઇડી વાપરીને આરોપીએ અનેક લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા, આખરે પોલીસે કરી ધરપકડ

આજના સમયમાં સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે.

X

આજના સમયમાં સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે.તો બીજી તરફ લોકો પણ જાગૃત બનતા સાયબર ગઠિયાઓ હવે સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સરકારી ઇ મેઇલ આઇડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો હતો. જે મેઈલ આઇડી અને તેનું ફોર્મેટ યોગ્ય ન લાગતા સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેઈલ આઇડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેઈલ આઈડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેન્કમાંથી એકાઉન્ટને લગતી માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલ રામની આખરે પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.પોલીસે આરોપી સાગરની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, કોઈ પણ સરકારી મેઈલ આઇડી પાછળ gujarat.gov.in લાગતું હોય છે. જે સરકારી ઇમેઇલ આઈડી માનવામાં આવે છે. આવું જ એક મેઈલ આઈડી આરોપી સાગરે બનાવ્યું હતું. એજ્યુકેશન વિભાગના સરકારી મેઈલ આઇડી બનાવી જીસ્વાનમાંથી બધા એક્સેસ આરોપીએ મેળવ્યા હતા. મેઈલ આઇડી બનાવવા આરોપી સાગરે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઇન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેલ આઇડી બનાવી આરોપી સાગરે અમુક કંપનીઓને મેઈલ કરી અલગ અલગ વિગતો માંગી હતી. તો બીજી તરફ અનેક બેન્કોને પણ મેઈલ કરી અમુક એકાઉન્ટ ફ્રીઝ કરવા આરોપીએ જણાવ્યું હતું. જે મેઈલના આધારે બેન્કોએ અમુક એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા. જો કે, બાદમાં કંપની અને બેંકને મેઈલનું યોગ્ય ફોર્મેટ નહીં જણાતા સરકારનું ધ્યાન દોર્યું હતું. તેને આધારે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી આરોપીની સાગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Next Story