/connect-gujarat/media/post_banners/0e9cad663246e85e4ee84ad3427797cbec7b4088a7de814caa510b2bb82660fc.jpg)
ગણેશજીની પ્રતિમાના સ્થાપન સાથે શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં શ્રીજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપ્પાના વિસર્જન માટે અલગ અલગ સ્થળે રૂ. 8 કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, ત્યારે અહી હજારો સાર્વજનિક પંડાલ અને સોસાયટી તેમજ મકાનોમાં બાપ્પા બિરાજમાન થયા છે. તો બીજી તરફ સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે શ્રીજીના વિસર્જન માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં રૂ. 1.80 કરોડના ખર્ચથી 15 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જ્યારે મધ્ય ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 15, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 3 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આમ અલગ અલગ 7 ઝોનમાં 50થી વધુ વિસર્જન કુંડ સહિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વિસર્જન કુંડને યોગ્ય રીતે કોર્ડન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AMCનો સ્ટાફ, પોલીસ જવાનો અને ફાયર વિભાગના જવાનો પણ વિસર્જન કુંડ ખાતે હાજર રહેશે. વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે, ત્યારે ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.