અમદાવાદના ઓઢવ ખાતે આવેલ શીશુ ગૃહમાં રહેતી 5 વર્ષની અર્પિતા નામની અનાથ દીકરીને અમેરિકન દંપત્તિ નાથન અને જેસિકાએ દત્તક લીધી છે, ત્યારે ઓઢવ શિશુ ગૃહ ખાતે ભાવસભર વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
5 વર્ષની અર્પિતા ગાંધીનગર ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેનો ઉછેર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ શિશુ ગૃહમાં કરવામાં આવ્યો હતો. જોકે હવે તે અમેરિકન નાગરિક બનવા જઈ રહી છે. અમેરિકન દંપતી અમદાવાદના ઓઢવ શીશુગૃહ ખાતે બાળકી દત્તક લેવા માટે આવ્યું આવ્યું હતું, ત્યારે અર્પિતાને દત્તક લેવા માટેની તમામ પેપર પ્રોસિજર પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેની ઉપસ્થિતિમાં ઔપચારિકતા પૂર્ણ કરી અર્પિતાને અમેરિકન દંપતીને સોંપવામાં આવી હતી. આ સમયે નારી સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યુ હતું કે, અમેરિકન દંપત્તિને દીકરી દત્તક લેવા બદલ હું અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે, હવે અર્પિતાનું ભાવિ વધુ સુરક્ષિત બનશે. હવે અર્પિતાને પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે. દીકરીને દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાથને રાજીપો વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, હું દીકરીને દત્તક લઈને ખૂબ જ ખુશ છું, ત્યારે અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જૉય રાખ્યું છે.