Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બોપલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન કામદારો ગૂંગળાયા, 3ના મોતથી અરેરાટી

X

અમદાવાદના બોપલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન ગૂંગળામણના કારણે 3 શ્રમિકોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલામાં પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના બોપલમાં AUDA દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમા કચરો ભરાઈ ગયો હતો. જેથી ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે રાજુભાઈ અને સંદિપભાઈ તેમને બચાવવા માટે ડ્રેનેજમાં ઉતર્યા હતાં.

પરંતું ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં પાઈપલાઈનમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરના જવાનોએ બે મજૂરોને પાઈપલાઈનમાંથી બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્રીજાની ભાળ નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી.ફાયરના જવાનોએ ડ્રેનેજના પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. AUDA દ્વારા આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપ્યું હતું. યોગી કન્સ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી હતી.

Next Story