અમદાવાદ : 2 પિસ્તોલ સાથે 2 ખુંખાર આરોપીઓને ચિલોડા પોલીસે ઝડપી પાડ્યા

ચિલોડા પોલીસે 2 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા, 9 જીવતા કારતુસ અને 4 મેગેઝીન સહિતનો મુદ્દામાલ જપ્ત.

New Update
અમદાવાદ : 2 પિસ્તોલ સાથે 2 ખુંખાર આરોપીઓને ચિલોડા પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ શહેરની ચિલોડા પોલીસે 2 પિસ્તોલ, 9 જીવતા કારતુસ અને 4 મેગેઝીન સાથે 2 ખુંખાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાંકાનેરની વાલીયાની દરગાહ સામે રહેતા ગુનેગાર રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવને ઉત્તરપ્રદેશથી અન્ય એક આરોપી હથિયારોનો જથ્થો આપવા માટે આવ્યો હતો.

ગાંધીનગરના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમા, એસ.પી. મયુર ચાવડાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચિલોડાના પી.આઇ. તરલ ભટ્ટ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચિલોડા સર્કલ નજીક હથિયારોની હેરાફેરીની બાતમી મળી હતી. પોલીસની ટીમે વોચ ગોઠવીને ઉત્તરપ્રદેશના ગાલીયાપોરના રહેવાસી ધર્મેન્દ્ર યાદવ અને હથિયારો લેવા આવેલા વાંકાનેરના રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવને ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 9 જીવતા કારતુસ અને 4 મેગેઝીન મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી રાજુ ઉર્ફે ડીમ્પલ ખૂબ જ ખુંખાર અને ઝનૂની સ્વભાવ ધરાવે છે. તે અગાઉ રાજકોટના આગેવાન સાથે ઝગડા તથા મારામારીના કેસમાં પણ સંડોવાયેલો હતો. આરોપી ધાક અને ધમકીથી રાજકોટ પંથકમાં પોતાનું સામ્રાજય ઉભું કરવા માંગે છે. આરોપી રાજકોટ જિલ્લાના 12 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ગેરકાયદે હથિયારો રાખવા, દારૂનું વેચાણ કરવું તથા ખુનની કોશિશના ગુન્હાઓ નોંધાયેલા છે. હાલ તો ચિલોડા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હથિયારો કયાં ઇરાદે મંગાવવામાં આવ્યા હતા, તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ આદરી છે.