/connect-gujarat/media/post_banners/75418ddeb8cc4fb7f6b56716eedc6b82f34d3e67d74498e174eec83c6ed35f9b.jpg)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં વાહનચાલકો હવે સીએનજી તરફ વળ્યાં છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ગેસના ભાવ વધતાં અમદાવાદ સહિત રાજયભરના રીકશાચાલકોએ હડતાળની ચીમકી આપી છે.
રાજ્યમાં ઘણા સમયથી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થવાના કારણે મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે. પેટ્રોલ, ડીઝલ, દૂધ , કઠોળ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી જતાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. વાહનચાલકો માટે સસ્તા ઇંધણના વિકલ્પ તરીકે એક માત્ર સીએનજી બચ્યો છે ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ એક થી બે રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.
સીએનજીના ભાવ વધારા સામે અમદાવાદમાં રીકશા એસોસીએશન આંદોલનના મુડમાં દેખાઇ રહયું છે. રીક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, રીક્ષાચાલકો રોજ રીક્ષા ચલાવી મહેનતથી રોજગારી કમાવનાર વર્ગ છે. સીએનજીના ભાવમાં વધારાથી રીકશાચાલકો માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની જશે. ભાવ વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો રીકશાચાલકો હડતાળ પર ઉતરી જશે તે વાત ચોકકસ છે.