દેશભરમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા ગુજરાતમાં મંથન શરૂ, કોંગ્રેસ દ્વારા 2 દિવસીય મહાઅધિવેશનનું આયોજન કરાયું
આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આજથી કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ ખાતે પહોચ્યા છે, જ્યારે CWC સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થાય છે. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે.
આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારાને વરેલી છે. આજે તા. 8 એપ્રિલ-2025ના રોજ આયોજિત આ અધિવેશન ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે, જ્યારે તા. 9 એપ્રિલ-2025ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય અધિવેશન યોજાશે.
જેમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં અશોક ગેહલોત, સચિન પાયલોટ, પવન ખેરા, હરીશ રાવત, પી.ચિદમ્બરમ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઇ ગયેલી ભાજપ સરકારના મૂળિયા હલાવવા માટે એક નવી રણનીતિ તૈયાર કરી રહ્યું છે.