Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્મશાનગૃહોમાં લાકડાનો જથ્થો વધારાયો, ભઠ્ઠીઓનું રીનોવેશન પણ કરાયું

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ, બીજી લહેરમાં સ્મશાનગૃહોમાં લોકોને પડી હતી હાલાકી.

X

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે અમદાવાદમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારમાં હાલાકી ન પડે તે માટે લાકડાઓનો જથ્થો વધારવામાં આવ્યો છે તેમજ ભઠ્ઠીઓના રીનોવેશન કરવામાં આવી રહયાં છે.

અમદાવાદીઓ કોરોનાની બીજી લહેરને કદી ભુલી શકશે નહિ. કોરોનાથી સંક્રમિત દર્દીઓને વેન્ટીલેટર કે ઓકિસજનવાળા બેડ મળ્યાં ન હતાં તો કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર માટે સ્વજનો લાચાર બની ગયાં હતાં. અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહોની બહાર મૃતદેહોની કતાર લાગતી હતી. આવા દ્રશ્યો અમદાવાદીઓ અને દેશવાસીઓએ સૌ પ્રથમ વખત જોયા હતાં. સતત સળગતી ચિતાઓના કારણે ચીમનીઓ પણ પીગળી ગઇ હતી. બીજી લહેર માંડ શાંત પડી છે ત્યાં ત્રીજી લહેરની શકયતાઓ જોવાય રહી છે.

અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં ભયાવહ સ્થિતિ હતી. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કલાકોનું વેઇટીંગ હોવાથી અનેક મૃતદેહોને અમદાવાદ શહેરની બહાર અંતિમ સંસ્કાર માટે લઇ જવાની પણ ફરજ પડી હતી.અનેક વખત લાકડાનો સ્ટોક પણ ખૂટી ગયો હતો. બીજી લહેરમાંથી બોધપાઠ લઇને તંત્ર હવે આગોતરી તૈયારીઓમાં લાગી ગયું છે. શહેરના ઘાટલોડિયા દુધેશ્વર હાટકેશ્વર વસ્ત્રાલ અને એલિસબ્રિજ સમશાન ગૃહમાં લાકડાનો બફર સ્ટોક વધારવામાં આવ્યો છે તેમજ ભઠ્ઠીઓનું રીનોવેશન કરાયું છે.

કોરોનાની ત્રીજી લહેર પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલેથી તૈયારી કરી રહ્યું છે. આરોગ્યથી લઇ દરેક ક્ષેત્રમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા પગલાં લેવાઈ રહયા છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર હોવાથી અહીં કોરોના મહામારીમાં અનેક ફરિયાદો ઉઠી હતી પણ હવે સ્થાનીય તંત્ર અને વહીવટી અધિકારીઓ દ્વારા ત્રીજી લહેરની આશંકાને પગલે અનેક પગલાં લેવામાં આવી રહયાં છે. આ પગલાંઓ કેટલા અસરકારક નીવડે છે તે જોવું રહયું.

Next Story