Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગણેશ મહોત્સવને મૂર્તિકારોમાં ઉત્સાહ, તો શ્રીજી ભક્તો સામે મોંઘવારીનું વિધ્ન..!

આગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે.

X

આગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે. જેને લઇને અત્યારથી રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કોરોના કાળ બાદ બાપ્પાની મૂર્તિ બનાવતા કારીગરોમાં પણ ઉત્સાહ છે, તો સાથે મોંઘવારીની અસર પણ જોવા મળી રહી છે. જોકે, રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં બાપ્પાની અવનવી મૂર્તિ તૈયાર થઈ રહી છે. જે લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.

ગણેશ ઉત્સવનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળના 2 વર્ષમાં અનેક નિયમોની મર્યાદા હતી. પણ આ વર્ષે સરકારે છૂટછાટ આપતા મૂર્તિ બનાવતા કારીગરો કામમાં જોતરાયા છે. જોકે, આ વખતે ગણેશજીની મૂર્તિના ભાવમાં પણ વધારો નોંધાયો છે. મૂર્તિકારો પણ કહી રહ્યા છે કે, મોંઘવારીની અસર છે, પણ બાપ્પા સારું કરશે. કાચો માલ મોંઘો થયો છે, જેથી ભાવ વધારો થયો છે. આ વર્ષે ગણેશજીની મૂર્તિમાં પ્રતિ ફૂટે 2 હજારનો વધારો કરાયો છે.

મોટી મૂર્તિમાં પ્રતિ ફૂટે 2 હજાર રૂપિયા વધારે ચૂકવવા પડશે. મોંઘવારીની અસર હોવા છતાં અમદાવાદ ગુલબાઈ ટેકરા ખાતે બાપ્પાની અલગ અલગ મૂર્તિ બની રહી છે. કારીગરો મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. મહત્વનું છે કે, ગણેશોત્સવને લઇ રાજ્ય સરકારે ભગવાનના ભક્તોને મોટી ભેટ આપી છે. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. આ સાથે જ સાર્વજનિક સ્થળો પર ગણેશજીની સ્થાપના કરવાની પરવાનગી પણ આપી છે. રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. જોકે, મૂર્તિ વિસર્જન દરમ્યાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ ભક્તોએ કરવું પડશે તેવું જણાવાયું છે.

Next Story