અમદાવાદીઓ હવે દંડની રકમ ભરવામાં કોઇ પણ બહાનાથી બચી શકશે નહિ કારણે હવે પોલીસ પણ હાઇટેક બની છે. સ્થળ પર જ દંડની રકમ વસુલવા માટે ટ્રાફિક પોલીસના જવાનોને POS મશીન આપવામાં આવ્યાં છે.
સામાન્ય રીતે પોલીસ જવાનોના હાથમાં દંડો જ જોવા મળતો હોય છે પણ અમદાવાદમાં પોલીસ જવાનો પાસે POS મશીન જોવા મળી રહયાં છે. કેશલેસ પેમેન્ટમાં ઉપયોગમાં લેવાતાં POS પોલીસને કેમ આપવામાં આવ્યાં તે સવાલ તમારા મનમાં ઉભો થયો હશે ત્યારે અમે તમને જણાવી દઇએ કે દંડની રકમ વસુલવા તેમને આ મશીન આપવામાં આવ્યાં છે. નિયમોનો ભંગ કરતાં ઝડપાયેલાં વાહનચાલકો સાહેબ... રોકડા પૈસા નથી જેવા બહાનાઓ બતાવતાં હોય છે ત્યારે પોલીસ પણ હવે કેશલેસ ટ્રાન્ઝેકશન માટે સજજ બની છે. વાહનચાલકો હવે તેમના ડેબીટ કે ક્રેડિટ કાર્ડની મદદથી દંડની રકમ ભરપાઇ કરી શકશે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનારાઓ સામે હવે અમદાવાદ પોલીસ પણ સ્માર્ટ બની છે. અમદાવાદ પોલીસે દંડની વસુલાત માટે નવા 300 સ્વાઇપ મશીનની ખરીદી કરી છે. હવે રોકડની સાથે સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ ઘટના સ્થળ ઉપર દંડ વસુલવામાં આવે છે. અત્યાર સુધી વાહનચાલકોને પોલીસ સ્ટેશન જઈને દંડ ભરવો પડતો હતો તેમાથી છુટકારો મળશે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી સ્વાઇપ મશીનથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે.જેમાં 2470 વાહનચાલકોએ રૂપિયા 12.09 લાખ રૂપિયાનો દંડ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ભર્યો છે.