/connect-gujarat/media/post_banners/bc569e5e8b883e32259d8b59991c1ec36aa049cf9dd7964aae7336ddceea20ae.webp)
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતા ગરીબ લોકો સાથે લોન અપાવવાના બહાને ઠગાઈ આચરનારી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી છે. રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગઈ છે. પોલીસ તપાસમાં બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં આવાસના નામે કોઈ લોન અપાવવાનું કહે તો ચેતી જજો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. વસ્ત્રાલ વિસ્તારમાંથી આર્થિક રીતે નબળા વર્ગ માટેનાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતા ગરીબ લોકોને લોન અપાવવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ છે. ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શિવમ આવાસ યોજનામાં બે મહિલાઓ ગઈ કાલે લોન અપાવવાના બહાને પહોંચી હતી, જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને પાંચ લાખની હોમ લોન મળશે તેવી વાતો કરતી હતી. ત્યાં જ ભોગ બનનાર મહિલા પહોંચી જતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ ભોગ બનનાર પાસે ૬૦ હજારની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી પોલીસે હાલમાં બંને વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓ સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે, જોકે પોલીસ લોકોને જાગૃત કરે છે કે આવી ગેંગથી સાવધાન રહેવાની જરૂર છે.