અમદાવાદના ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાતાં મુર્તિ બજારમાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળી હતી. સરકારે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી અને ડીજેને છુટ આપતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
ગત વર્ષે ગુજરાતમાં જ નહિ પણ દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી પર પાબંધી લગાવવામાં આવી હતી. પરંતુ આ વખતે કોરોના કેસમાં ઘટાડો થતા આ વખતે નિયમો સાથે ગણપતિ મહોત્સવની પરવાનગી આપવામાં આવી છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તાર ગણેશજીની મૂર્તિઓ માટે જાણીતી જગ્યા ગણાય છે. દેશભરમાંથી લોકો ગુલબાઇના ટેકરા વિસ્તારના કારીગરો પાસે મુર્તિઓ બનાવવાનો આગ્રહ રાખે છે. દર વર્ષે ગુલબાઇના ટેકરા વિસ્તારમાં લોકોની ભીડ જામે છે પણ પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ભીડ ઓછી જોવા મળી હતી.
સરકારે જાહેર સ્થળોએ ચાર ફુટ અને ઘરમાં બે ફુટથી વધારે ઉંચાઇ ધરાવતી મુર્તિઓની સ્થાપના નહિ કરવા સુચના આપી છે. મુર્તિઓની ઉંચાઇ વધારે રાખવાની નહિ હોવાથી લોકોએ માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. ગણેશજીની મુર્તિઓનું વિસર્જન પણ કૃત્રિમ કુંડમાં કરવાનું હોવાથી માટીની પ્રતિમાઓ લોકોને વધારે અનુકુળ લાગી રહી છે.
કોરોનાના કારણે લોકોમાં ફેલાયેલો ભય હવે ઓછો થઇ રહયો છે અને તહેવારોની ઉજવણીની રંગત પાછી ફરી છે. રાજયમાં ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. 10 દિવસનું આતિથ્ય માણી દુંદાળા દેવ વિદાય લેશે પરંતુ ત્યાં સુધી સર્વત્ર ભકિતસભર માહોલ જોવા મળી રહયો છે.