આગામી 27 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્રમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના સત્રમાં સરકાર સામે ઉગ્ર લડત આપવાની ચર્ચાઓ ઉપરાંત પક્ષના સંગઠન અને નેતાઓ વિશે પણ ચર્ચા કરી હતી.
ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક યોજાય હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ એવી માંગ કરી હતીકે, ગુજરાત કોંગ્રેસની કમાન ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપવી જોઈએ.
આ ઉપરાંત ગુજરાતના પ્રદેશ પ્રભારીઓની નિમણુંક જલદી કરવી જોઈએ બેઠકમાં ભાજપની નવી સરકારને ઘેરવા પણ પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રેસ અને મીડિયા પ્રતિનિધિને સંબોધતાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, માત્ર બે દિવસ માટે વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન થયું છે ત્યારે વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.
વિધાનસભા સત્રમાં કોરોનાકાળમાં અકારણ શહીદ થયેલા કોરોના મૃતક અને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવાની પણ કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. તૌકતે વાવાઝોડામાં સહાયમાં વિસંગતતા અને વિલંબ ને નિવારવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
તાજેતરમાં દેવભૂમિ-દ્વારકા, જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી જે મોટી તારાજી સર્જાઈ છે તેનાથી લોકોને જાન-માલ, પશુધન, ઘરવખરી, ઉભા પાક, ખેતીની જમીનને થયેલ નુકસાનનું રાજ્ય સરકાર સત્વરે પારદર્શી રીતે વળતર ચૂકવે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.