/connect-gujarat/media/post_banners/763ef99d2a35411c542ccb8a15abeaf099e4b1da778f850ab59abe9c3a2642a3.jpg)
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસ સાથે દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ગોઠવી દેવાની માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વહેલી સવારથી જ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર આવી પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તહેનાત રહે તેવું આયોજન કરવામાં આવ્યો છે. સેવાભાવી લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે બોડી વોર્ન કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 કાયદો આ પરીક્ષામાં લાગુ થશે. આ પરીક્ષામાં પોલીસ અને જિલ્લાનું સમગ્ર પ્રશાસન સક્રિય રહ્યું હતું. આ સાથે જ ઉમેદવાર પેન, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઈ શકે નહીં તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, અમદાવાદમાં જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર ખડેપગે એલર્ટ રહ્યું હતું, જ્યાં પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉથી ગોઠવી દેવામાં આવ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્ર પર CCTVના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યભરમાં 9 લાખ જેટલા ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજ્યભરનું વહીવટી તંત્ર દિવસભર સાબદું રહ્યું હતું.