ગુજરાતમાં વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં જ નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે તેથી ખેલાડીઓ પણ ઘરઆંગણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા તૈયારી કરી રહ્યા છે.
આ છે અમદાવાદમાં આવેલું સંસ્કાર ધામ, જ્યાં ગુજરાતના ફેન્સીંગ ખેલાડી નેશનલ ગેમ્સની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ દ્વારા તેમને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતવું, એ દરેક ખેલાડીનો ધ્યેય છે.એમાં પણ ગુજરાતમાં જ નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે ત્યારે ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો છે. ગુજરાત માટે મેડલ મેળવવા ખેલાડીઓ ખૂબ જ ઉત્સુક છે. ગુજરાત સરકાર પણ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરી રહી છે અને સાથે જ તેઓને એક્સપર્ટ કોચ સહિત જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી રહી છે.
નેશનલ ગેમ્સને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના અનેક પ્રતિભાવાન ખેલાડીઓને ટક્કર આપવા માટે ગુજરાતના ફેન્સીંગ ખેલાડીઓએ કમર કસી છે. સાથે જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા ખેલાડીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે.