/connect-gujarat/media/post_banners/a03059bc1ebdb42875d8797df06b5c7bc4b85052c301cf697f2cecde9f2cab73.webp)
અમદાવાદમાં સૌથી જૂની V S હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ તરફથી એએમસીને બિલ્ડિંગ તોડી પાડવા અંગેનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્પોરેશન તરફથી હાલ 500 બેડ જે કાર્યરત છે તેને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બિલ્ડીંગ તોડી પાડવામાં નહીં આવે તે અંગેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે V Sને તોડવાના AMCના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે બાદ V S. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ સજર્યો હતો. સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટમાં ટાંક્યું હતું કે અગાઉ 1200 બેડ આવેલા હતા
જે ઘટાડીને હવે કોર્પોરેશન 500 બેડ હોવાનું રટણ કરી રહી છે. બીજી તરફ અગાઉની સુનાવણીમાં જ્યારે કોર્પોરેશને એવો જવાબ રજૂ કર્યો હતો કે હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી તેણે તોડી પાડવું જરૂરી છે. જે બાદ આજે હાથ ધરાયેલી સુનાવણી માં કોર્ટમાં કોર્પોરેશન તરફથી 500 કાર્યરત બેડની જગ્યા તોડી પાડવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે સોગંદનામું રજૂ કરવામાં આવે તેમજ હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડ્યા બાદ તે જગ્યા પર શું આયોજન કરવાનું છે તેની પણ માહિતી આપવામાં આવે. કોર્પોરેશનની ગોળગોળ વાતો ને ધ્યાને લેતા કોર્ટ નિર્દેશ કર્યો હતો કે વલણ સ્પષ્ટ કરવામાં આવે. જ્યારે અરજદારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અને સ્વાસ્થ્ય અધિકારી થી વંચિત રાખવામાં કાવતરું ઘડાઈ રહ્યું હોવાની વાત મૂકી હતી.