/connect-gujarat/media/post_banners/d4ea67e4233ad921bc88e4a14c06c15f8a5e98a7dbce52e82b2317a4d47e7b1f.webp)
અમદાવાદ શહેરના પીપળજ વિસ્તારમાં પોતાના વેવાઈ સાથે મળીને જમીન દલાલ સાથે દોઢ કરોડ રૂપિયાની ઠગાઇ આચરનાર ભુમાફિયા કનું ભરવાડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે, ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે.
અમદાવાદના પીપળજ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે. જેમાં ભરતસિંહ ચૌહાણ, બળવંતસિંહ ચૌહાણ, દીવાનસિંહ ચૌહાણ અને બળદેવ ભરવાડ સહિત 11 લોકોએ ભેગા મળી ખેડૂતોની જમીન દસ્તાવેજ કરી ઠગાઇ આચરી હતી. પીપળજ સીમમાં આવેલ સર્વે નંબર 67વાળી જમીનમાં 9 જમીન માલિકોને ભુમાફિયા કનું ભરવાડે વિશ્વાસમાં લઇ 81 લાખ રૂપિયા ચૂકવી તેના વેવાઈ આરોપી બળદેવ ભરવાડના નામે બાનાખત અને દસ્તાવેજ કરી દીધો હતો. જે જમીન ખરીદી માટે ફરિયાદી મુસ્તાક પાસેથી 1.50 કરોડ રૂપિયા કનું ભરવાડે લીધા હતા, અને તે જમીન પોતાના વેવાઈના નામે દસ્તાવેજ કરી કરોડોની છેતરપીંડી આચરી હતી.
જોકે, ભુમાફિયા કનું ભરવાડની મોડ્સ ઓપરેન્ડી પર નજર કરીએ, તો દસ્તાવેજ પર કોઈપણ જગ્યાએ પોતાનું નામ કે, સહી કર્યા વિના જમીનોના કૌભાંડ આચરતો હતો. આવી જ રીતે પીપળજ સીમમાં આવેલ જમીનના ફરિયાદી મુસ્તાક પાસેથી રૂ. 1.50 કરોડ મેળવ્યા હતા, અને તેની અવેજમાં 30-30 લાખના 5 ચેક મુસ્તાકને આપ્યા હતા. સાથે જ મુસ્તાક સાથે કનું ભરવાડે એક સમાધાન કરાર પણ કર્યું હતું. જેમાં કનું ભરવાડ મુસ્તાકને સારી જમીન અપવાશે અથવા તો દોઢ કરોડ રૂપિયાનું સારું વળતર ચૂકવશે. જોકે, ચેક રિટર્ન થતાં મામલો પોલીસે સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેની તપાસ બાદ આર્થિક ગુણ નિવારણ શાખાએ 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર 7 આરોપીની શોધખોળ શરૂ કરી છે.