અમદાવાદમાં જ્વેલર્સની આંખમાં ધૂળ ઝોંકી મોપેડ સાથે રૂ.1 કરોડ 25 લાખની કિમતના સોનાના દાગીના લઈ રાજસ્થાન રફુચક્કર થઇ ગયેલો નોકર દાગીના વેચવા ફરી અમદાવાદ આવતા પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,..
ગત 16 ઓક્ટોબરના રોજ બપોરે 1 કલાકની આસપાસ બે થેલામાં સોનાના સેટ, બુટ્ટી, મંગળ સૂત્ર, લકી,કડા સહિત રૂ.1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહ સાથે જઈ રહ્યા હતા. અને અનેક દુકાનોમાં દાગીના બતાવી માલિક નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટિવા ઊભું રાખી સોનાની બેગ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પણ આરોપી કારીગરનું મન મેલુ હતું.મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ગુમ થઈ ગયો હતો દરમિયાન તેણે પોતાના મિત્ર ગણેશ ઘાંચીને ફોન કર્યો હતો અને આરોપી આનંદ તેમજ ગણેશ દાગીના ભરેલી બેગ સાથે અમદાવાદ છોડીને ભાગી ગયા હતા। સવા કરોડની માલમતા સાથે કેવી રીતે સાચવવી તેની મથામણમાં સતત રહેતા બંને, જુદી-જુદી જગ્યાએ રખડ્યા બાદ થાકી-હારીને રાજસ્થાન પહોચ્યાં હતા. આટલી મોટી રકમના દાગીનામાંથી કેટલાક ગણેશ ખુદ લઈને ભાગી ગયો હતો. સોની માલિક પાસેથી દાગીના તફડાવ્યા વાતને બે મહિના જેટલો સમય થઇ ગયો છે અને વાત વિસારે પડી ગઈ હશે તેમ માનીને આનંદ પોતાની પાસે રહેલા દાગીનાનો થેલો લઈને અમદાવાદ આવ્યો હતો.આરોપીને મનોમન હતું કે, આ ઘરેણાં વેંચાઈ જાય એટલે જે રકમ આવે તે લઈને પાછો રાજસ્થાન ભેગો થઇ જશે પણ તે પોતાની મનની મેલી મુરાદ પુરી કરે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો.પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.10 કરોડના 2 કિલો 710 ગ્રામ દાગીના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે