અમદાવાદના મોટા ગજાના બિલ્ડરો ફરી એક વખત આઇટી વિભાગના સકંજામાં આવ્યાં છે. શિવાલિક અને શિલ્પ ગૃપ સહિત અનેક બિલ્ડરોને ત્યાં ઇન્કમટેકસ વિભાગની ટીમો સર્ચ કરી રહી છે....
અમદાવાદ શહેરના સીમાડાઓ વિસ્તરી રહયાં છે અને અનેક સ્થળોએ રહેણાંક મકાનો અને બિલ્ડીંગો બની રહી છે. ઝડપથી આગળ વધી રહેલી બિલ્ડર લોબી પર હવે આઇટી વિભાગનો સકંજો કસાયો છે. અમદાવાદના મોટા ગજાના બિલ્ડરો ફરી એક વખત આઇટી વિભાગની રડારમાં આવી ગયાં છે. ગુરુવારની વહેલી સવારથી જ શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલા અલગ-અલગ સ્થળે ઇન્કમટેકસ વિભાગની ટીમો સર્ચ ઓપરેશન કરી રહી છે.
બિલ્ડર ગૃપના પ્રમોટર અને ટોચના અધિકારીઓના નિવાસે પણ સર્ચ કરાય રહયું છે. દિનકર ગૃપ ઉપરાંત આ બંને સાથે કામ કરતા બ્રોકર્સને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે. જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે. શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ, જ્યારે શારદા ગૃપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને તેમજ રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનીષ બ્રહ્મભટ્ટ ની ઓફિસ તથા રહેઠાણો પર તપાસ ચાલી રહી છે.