અમદાવાદના ચાંદખેડામાં જવેલર્સની બે દુકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ યુ ટયુબ પર વિડીયો જોઇને ચોરીના કરતબ શીખ્યાં હોવાની વિગતો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે..
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં એક સરખી મોડસ ઓપરેન્ડીથી જવેલર્સની દુકાનોમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ જવેલર્સની દુકાનના તાળા તોડયાં ન હતાં પણ બાજુમાં આવેલી દુકાનના તાળા તોડયાં હતાં. બાજુની દુકાનમાં પ્રવેશી તસ્કરોએ દિવાલમાં બકોરૂ પાડી જવેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તારીખ 24 મી નવેમ્બરના રોજ આઇઓસી રોડ પર આવેલ રાજ જ્વેલર્સમાંથી આશરે 20 લાખની કિમંતના દાગીના અને 1.35 લાખ રોકડાની ચોરી કરી હતી. તેવી જ રીતે તારીખ 2 ડીસેમ્બરના રોજ ગજાનંદ જ્વેલર્સમાંથી 6.50 લાખના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ચોરીમાં સંડોવાયેલાં હિતેશ પરમાર, હિતેશ પારગી અને ભરત રાઠોડને ઝડપી પાડયાં છે.
સામાન્ય રીતે દિવાલમાં બકોરૂ પાડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી રાજસ્થાનની ગેંગની છે પણ આ તસ્કરો આ મોડસ ઓપરેન્ડી કયાંથી શીખ્યાં તે રસપ્રદ છે. આરોપી હિતેશ પરમારે યુ ટયુબ પર વિડીયો જોઇને ચોરીનો કસબ શીખ્યો હતો. વિડીયો જોઇને તેણે ગેસ કટર, ઇલેકટ્રીક કટર, કટર, કોંસ સહિતના સાધનોની ખરીદી કરી હતી. આ સાધનોની મદદથી તેઓ તાળુ તોડતા અને દિવાલમાં બકોરા પાડતાં હતાં. દુકાનની રેકી કરવા માટે તેઓ કોઈ પણ જવેલર્સની સામે ઊભા રહેતા અને આ વિસ્તારમાં માણસો ની હેરફેર કેટલી થાય છે તેની માહિતી એકત્રિત કરી રાતના સમયે જવેલર્સની બાજુની દુકાનને નિશાન બનાવતાં હતાં.