અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતશાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની એવી કલ્પના આપણા સૌની સમક્ષ રાખી છે કે વિવિધ રાજ્યોના લોકો, વિવિધ સંસ્કૃતિ, વિવિધ પહેરવેશ અને વિવિધ ખાનપાનને સાથે રાખીને ભારતની એકતા માટે પ્રયાસ કરે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવ માટે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશ આઝાદીના 75 વર્ષ ઊજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને એ જ સમયે આ સમાજના સો વર્ષ પૂર્ણ થયા છે, એ સુયોગ છે.આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાજૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી, મહારાષ્ટ્ર સમાજના આગેવાન શકુનભાઈ આપ્ટે, આગેવાન પરાગભાઈ નાયર, સ્થાનિક ધારાસભ્યો સમાજના અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.