વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો મેટ્રો ટ્રેનનો શુભારંભ
શહેરીજનો માટે સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા હલ થઈ
મેટ્રોમાં મુસાફરીથી સમયમાં થશે 40 મિનિટની બચત
મેટ્રો ટ્રેનમાં રૂ. 5થી શરૂ કરી મહત્તમ રૂ. 25 ભાડું રખાયું
એક કોચમાં 40થી 50 લોકોને બેસવાની વ્યવસ્થા કરાય
સવારે ૯ થી રાત્રિના 8 સુધી મેટ્રોની સેવાનો લાભ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના થલતેજથી વસ્ત્રાલ રુટ પર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. આ મેટ્રો ટ્રેન સેવાના પ્રારંભથી શહેરની સૌથી મોટી એવી ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે. તો આવો અમે તમને કરાવીએ અમદાવાદની મેટ્રો ટ્રેનની સફર...
આમ તો, અમદાવાદ શહેરમાં વાહન ચલાવવું એટલે માથાનો દુ:ખાવો..., પણ હવે અમદાવાદવાસીઓની આ સમસ્યાનો અંત આવ્યો છે. જીહા, આજથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની સફર શરૂ થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 2 દિવસના ગુજરાતના પ્રવાસ દરમ્યાન કરોડો રૂપિયાના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે. PM મોદીએ આજે અમદાવાદના થલતેજથી વસ્ત્રાલ રુટની મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. ટૂ-વ્હીલરની સરખામણીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની બચત થાય છે, જ્યારે ખિસ્સાને પણ 35થી 45 રૂપિયા સુધીની બચત થાય છે. ઉપરાંત ટૂ-વ્હિલરની સરખામણીએ મેટ્રોની મુસાફરી તડકો કે, વરસાદથી બચાવે છે, અને ધૂળ-ધુમાડાથી થતાં હવાના પ્રદૂષણમાંથી પણ છુટકારો મળી શકે છે.
જોકે, અમદાવાવાસીઓ માટે સૌથી મોટી રાહતની વાત તો એ છે કે, ટૂ-વ્હીલર પર એક સ્થળેથી બીજા સ્થળે જવામાં નડતા ટ્રાફિક સિગ્નલમાંથી મેટ્રો ટ્રેન મુક્તિ અપાવશે. આ દરેક મેટ્રોમાં 3 કોચ રહેશે. એક કોચમાં 280થી 300 લોકો મુસાફરી કરી શકશે. મેટ્રો ટ્રેનના એક કોચમાં 40થી 50 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અંદાજે 250 લોકો ઊભા રહી શકશે. આમ, એક ટ્રેનમાં લગભગ 900 લોકો મુસાફરી કરી શકશે. એક સ્ટેશનેથી બીજા મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં ટ્રેનને માંડ 2થી 3 મિનિટનો સમય લાગશે. આ બન્ને રૂટ પર મિનિમમ રૂ. 5થી શરૂ કરી મહત્તમ રૂ. 25 સુધી ભાડું રાખવામાં આવ્યું છે. વીકલી કે, મંથલી પાસ સિસ્ટમ અંગે હજુ સુધી મેટ્રો સત્તાવાળાએ કોઈ નિર્ણય કર્યો નથી. જોકે, મેટ્રો ટ્રેનનું સ્ટોર વેલ્યુ કાર્ડ છે, જે રૂ. 50 ડિપોઝિટ ભરીને લઈ શકાય છે. આ પ્રી-પેઈડ કાર્ડ જેવું છે, જે રૂ. 50થી રિચાર્જ કરાવી દરેક ટ્રીપ પર ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકાશે.
અમદાવાદ શહેરમાં કનેક્ટિવિટી માટે મોટા ભાગના મેટ્રો સ્ટેશન નજીક BRTS કે, AMTSનું બસ સ્ટેશન હશે. શહેરના કેટલાક મેટ્રો સ્ટેશન વચ્ચે મુસાફરી દરમ્યાન ટનલ પણ આવશે. જેથી મુસાફરોને પણ એક અલગ અને નવો જ અનુભવ થશે. મુસાફરોને કાલુપુર સ્ટેશનથી આવતી-જતી અન્ય ટ્રેન તેમજ સિટી બસ સરળતાથી મળી રહેશે. દિવ્યાંગ વ્યક્તિ વ્હીલચેર સાથે જ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે એ માટે પ્રત્યેક કોચમાં અલગ જગ્યા ફાળવવામાં આવી છે. બન્ને કોરિડોરમાં પહેલી મેટ્રો સવારે 9 વાગ્યાથી ઊપડશે અને રાત્રે છેલ્લી ટ્રીપ 8 વાગ્યાની રહેશે. દરેક કોચમાં એલાર્મ, એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી, દરવાજા ખૂલે અને બંધ થાય ત્યારે એલાર્મ, સ્મોક અને ફાયર ડિટેક્ટરની સુવિધા ગોઠવી દેવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં પ્રત્યેક મુસાફર મહત્તમ 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકશે. કોઈપણ પેસેન્જર પાલતુ પ્રાણીને સાથે રાખીને મુસાફરી કરી શકશે નહીં. દરેક મેટ્રો સ્ટેશનના બન્ને છેડે ત્રણ-ત્રણ ટિકિટ બારી, બે-બે ટિકિટ વેન્ડિંગ મશીન હશે. ટિકિટ લીધા પછી પ્લેટફોર્મ પર પહોંચી શકાશે. અમદાવાદ મેટ્રોમાં એડવાન્સ રિઝર્વેશનની કોઈ વ્યવસ્થા નથી. પ્રત્યેક કોચમાં વહેલા તે પહેલાના ધોરણે બેસી શકાશે. ટ્રેનમાંથી ઊતર્યા પછી સ્ટેશનના બન્ને છેડે મૂકેલા ઓટોમેટિક ફેર કલેક્શન ગેટમાંથી મુસાફરોએ પસાર થવાનું રહેશે. જો કોઈ પેસેન્જર ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળના સ્ટેશન સુધી મુસાફરી કરે તો ગેટ ખૂલશે જ નહીં. તેણે ફરીથી આ સ્ટેશનેથી આગળના સ્ટેશનની ટિકિટ લેવી પડશે. ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના જનમિત્ર કાર્ડ પણ મેટ્રો ટ્રેનમાં ઉપયોગ કરી શકાય તેવી પણ AMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.