અષાઢી બીજના રોજ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું કરાયું આયોજન
ગૃહ રાજ્યમંત્રીએ જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા કરી
યાત્રાના રૂટ પર હર્ષ સંઘવી દ્વારા સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા
ભયજનક-જર્જરિત મકાનોથી લોકોને દૂર રહેવાની સૂચન
અમદાવાદમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાનાર છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા કરી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ રવિવારે નીકળવાની છે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા કરી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વખતે અદ્યતન ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરાયો છે. રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે.
આથી 1400 જેટલા CCTV કેમેરા PPP ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે. ઉપરાંત 20 જેટલા ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવનાર છે. 360 ડિગ્રીના વીડિયો રેડી કરાયાં છે. સાથે જ ફેસર કેકનાઈઝ પણ કરાશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, પોલીસ થકી સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પેરામિલેટરી ફોર્સ સહિત તમામ ટીમ તહેનાત રહેશે. તો બીજી તરફ, કોટ વિસ્તારમાં પણ ભયજનક અને જર્જરિત મકાનોથી લોકોને દૂર રહેવાની સૂચના સાથેના બેનર લગાડવામાં આવ્યા છે. આ સાથે જ જર્જરિત મકાનો નીચે કે, તેના ધાબા પર ઊભા ન રહેવા તમામ લોકોને વિનંતી કરવામાં આવી છે.