અમદાવાદ : 30થી વધારે કુટુંબો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસ્યા, એજન્ટોએ કર્યો ખુલાસો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલાં ચાર એજન્ટોની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એજન્ટોએ અત્યાર સુધીમાં 30 જેટલા કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસાડયાં છે

New Update
અમદાવાદ : 30થી વધારે કુટુંબો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસ્યા, એજન્ટોએ કર્યો ખુલાસો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલાં ચાર એજન્ટોની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એજન્ટોએ અત્યાર સુધીમાં 30 જેટલા કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસાડયાં છે.

ગાંધીનગરના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતી વેળા કાતિલ ઠંડીના કારણે મોત થયાં હતાં. આ ઘટના બાદ અમેરિકા જવાની લ્હાયમાં ગુજરાતીઓ કરોડો રૂપિયા ખર્ચી નાખવા માટે તૈયાર હોવાનું ફલિત થયું છે. લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલતાં એજન્ટો સામે પોલીસે પણ સકંજો કસ્યો છે. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યૂ કરાવી ભારતીય નાગરિકોને અમેરિકા મોકલતા કબુતરબાજોની ધરપકડ કરી હતી. જેમાં રાજુ પ્રજાપતિ, હરેશ પટેલ, હાર્દિક પટેલ અને રજત ચાવડાનો સમાવેશ થાય છે. આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરેશ પટેલ પાસેથી 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા છે. અરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે કબૂતરબાજોની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. તેમણે 30 જેટલા કુટુંબો પાસેથી કરોડો રૂપિયા લઇ તેમને અમેરિકામાં ઘુસણખોરી કરાવી દીધી છે. ચારેય આરોપીઓ દિલ્હીના એજન્ટોની મદદથી આખું નેટવર્ક ચલાવતાં હતાં. જેમાં અમેરિકામાં ઘુસણખોરી કરવા માંગતા એક વ્યકિત દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેવામાં આવતાં હતાં.

Latest Stories