રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં વધુ એક પક્ષની રચના થઈ છે. પૂર્વ IPS ડી.જી.વણઝારાએ પોતાના પક્ષની જાહેરાત કરીને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
ગુજરાતની રાજનીતિમાં એન્કાઉન્ટર કરવા પૂર્વ IPS ડી.જી.વણઝારા તૈયાર થયા છે. તેઓએ "પ્રજા વિજય પક્ષ"ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે તેઓએ ધાર્મિક-સામાજિક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે, ત્યારે કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં ડી.જી.વણઝારાએ જણાવ્યું હતું કે, નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના કરવામાં આવી છે. અમારી પાર્ટી હિન્દુત્વવાદી છે. ભાજપ હિન્દુત્વ પાર્ટી છે, પણ બીજા વિકલ્પ તરીકે અમે આવ્યા છીએ. રાજ્યની તમામ બેઠકો પર અમે ઉમેદવાર ઊભા રાખીશું અમારી એક કેદાર ઊભી કરવામાં આવી છે. તો સાથે જ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વણઝારાએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધી દેશના દુશ્મનોનું એન્કાઉન્ટર કરતા હતા. હવે રાજનીતિમાં પણ એન્કાઉન્ટર કરીશું. આમ હવે રાજ્યના ચૂંટણી જંગમાં એક નવા પક્ષનો પણ ઉદય થયો છે. ચૂંટણીના જૂજ દિવસો બાકી રહ્યા છે, તેવા સમયે પક્ષની રચનાથી અનેક સવાલો ઊભા થયા છે.