અમદાવાદની અમરાઇવાડી પોલીસે દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે જયારે બે આરોપી હજી ફરાર છે. પોલીસે યોગેશ ગુપ્તા અને શ્રીકાંત ઉર્ફે લાલાની ધરપકડ કરી છે.
આરોપી યોગેશ ઉર્ફે દાદા ગુપ્તાએ અમરાઈવાડીના પિલ્લર નંબર 55 સામે આવેલી દુકાનના મૂળ માલિક સંદિપ ગુપ્તાને ડરાવી બનાવટી દસ્તાવેજોની મદદથી દુકાન પર કબ્જો મેળવવા માંગતો હતો. સંદીપ ગુપ્તાએ આ દુકાન 17 જાન્યુઆરીના રોજ દુકાનના મૂળ માલિક નારાયણસિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. જે દુકાનના ડોક્યુમેન્ટ જોવાના બહાને તેના ફોટા પાડી તેના આધારે બનાવટી દસ્તાવેજો બનાવી તેને આગની જ્વાળા પાસે રાખી પેપરના પીળા બનાવીને જુના હોવાનો ડોળ કર્યો હતો. તપાસમાં હકિકત સામે આવી કે, મુખ્ય માલિક નારાયણ સિંહને 20 દિવસ પહેલા ડરાવી ઝેરોક્ષ પર સહી લેવામા આવી હતી. ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, પોલીસ કાર્યવાહી ન કરે અને કબ્જો મેળવી લેવાય તે માટે કોર્ટમાં પણ અમરાઈવાડીના બે પીએસઆઇ વિરુદ્ધ અરજી કરી હતી.