Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાઉન્સિલરના ડુપ્લિકેટ સ્ટેમ્પથી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક મહિલાની ધરપકડ

આપણે જાણીએ છીએ તેમ આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે.

X

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સહી-સિક્કા કરી દેવાના મામલે આનંદનગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

આપણે જાણીએ છીએ તેમ, આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે. આથી, મહિલા કાઉન્સિલરના નામ અને સિક્કા કોઈ અજાણી વ્યક્તિના ફોર્મમાં જોવા મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલર ભાવનાબેનને જાણ થઈ હતી કે, તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિ ઉપયોગમાં લઈ રહી છે. આ જાણ થતા જ તેમણે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ, આનંદનગર પોલીસે કાર્યવાહી કરતા મનિષા મહંમદ અયુબ શેખ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક આરોપી દુર્ગા પ્રસાદ યાદવ પણ આ મામલામાં સંડોવાયો હોવાની વાત સામે આવી હતી. જોકે, તે હાલ ફરાર થઈ ગયો છે. જેની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ એક બિલ્ડીંગમાં એસ. એમ. ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે, અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગા પ્રસાદ કામ કરે છે. દુર્ગા પ્રસાદ ઓફિસમાં આધાર કાર્ડમાં નામ બદલવાના અને આયુષ્માન કાર્ડ નવા કાઢવાના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કાઓ કરી આપવાનું કામ કરી આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીનું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું. પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગા પ્રસાદ કે, જે કોર્પોરેટરના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આવતો હતો, તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે, તેની જાણ થઇ શકશે.

Next Story