ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના જશોદાનગરથી ડાકોર તરફ જતાં માર્ગ પર સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ડાકોર મંદિરે જૂજ સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવતા હતા. જોકે, વર્તમાન સ્થિતિમાં કોરોના નહિવત છે, અને આગામી ફાગણ સુદ પુનમના દિવસે ડાકોરમાં ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર મંદિર પહોચી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરના જશોદાનગરથી 10 કિમીના રૂટમાં પદયાત્રીઓ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ કેમ્પ લગાવી રહી છે. જેમાં પદયાત્રીઓને ઠંડા પાણી, છાશ, લીંબુ શરબત, બિસ્કિટ, તરબૂચ, નાસ્તો અને ભોજન જમાડી લોકો પોતાની લાગણી વ્યક્ત કરે છે. આ તમામ સેવા કેમ્પ રાત દિવસ ધમધમે છે. અહીં પદયાત્રીઓને હોંશે હોંશે અને આગ્રહ સાથે બોલાવવામાં આવે છે.
સાથે જ અલગ અલગ સંસ્થાઓ અને દાતાઓ અહીં પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવે છે. દર હોળીએ લાખો ભક્તો આ રસ્તે નીકળે છે. જે રસ્તે પદયાત્રીઓ ચાલે છે, તે રસ્તાને વાહનો માટે પણ બંધ કરવામાં આવે છે. જેથી કોઈ અકસ્માતની ઘટના સર્જાય નહીં. વર્ષોથી ચાલતી આ પદયાત્રામાં મોટા સંઘો પણ જોડાય છે. અહીં સેવા કરનાર લોકો કહે છે અમને ભક્તોની સેવા કરવામાં આનંદ આવે છે.