36મી નેશનલ ગેમ્સના શુભારંભને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે ટેનિસ ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.
આ છે અમદાવાદના સાબમરતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, જ્યાં છેલ્લા એક મહિનાથી રાજ્યભરના ટેનિસના ખેલાડીઓ 36મી નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સઘન તાલીમ લઈ રહ્યા છે. જોકે, આ વર્ષે ઘર આંગણે નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું હોવાથી ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત વધુને વધુ ગોલ્ડ મેડલ જીતે તે માટે પુરુષ અને મહિલા ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે ટ્રેનિંગ કેમ્પમાં તૈયારીઓ કરી રહ્યા છે.
ગુજરાત સરકાર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ખેલાડીઓની તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો, રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેથી ખેલાડીઓ આ સુવિધાઓથી ખુશ છે. ટેનિસના ખેલાડીઓના કેમ્પમાં તેમને ખાસ કોચ દ્વારા વિશિષ્ઠ તાલીમ અપાઈ રહી છે. ગુજરાત ગૌરવપૂર્ણ ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે કે, જ્યારે રાજ્યના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે અને તેમને વધાવવા માટે ગુજરાતીઓ પણ હાજર હશે.