/connect-gujarat/media/post_banners/aa7927938e54b39ada093dbb8fab9d3a928f1fdaf1e6ec3aca4ca2091ee2a1bd.jpg)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે જન આરોગ્ય સંકલ્પ જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા રાજ્યની જનતા માટે 14 મહત્વની આરોગ્ય સેવા અંગે જાહેરાત કરાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યની જનતા માટે રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવાની મહત્વની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરિકોને તમામ સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવશે તેમ જણાવાયું છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ બનનારી કોંગ્રેસ સરકાર ગુજરાતના નાગરિકો માટે તમામ સરકારી હોસ્પિટલોને ફાઈવ સ્ટાર કક્ષાની બનાવી લોકોને વિશેષ સુવિધા આપવામાં આવશે, જ્યાં કોઈપણ દર્દીઓને તમામ રોગોની વિનામુલ્યે સારવાર આપવામાં આવશે. સાથે જ માન્ય ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની મફત સારવાર, કિડની, લીવર અને હૃદય ટ્રાન્સપ્લાન્ટની તદ્દન મફત સારવાર, દરેક ગામો અને નગરપાલિકા વોર્ડમાં આધુનિક સુવિધા સાથેના "જનતા દવાખાના", અંતરિયાળ ગામોમાં ફરતા દવાખાના, સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની નિમણૂંક, જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ ગંભીર રોગની વિનામુલ્યે સારવાર, મેડીકલ કોલેજો અને દવાખાનામાં પુરા પગારથી તબીબ અને સ્ટાફની નિમણૂંક સહિત આયુષ પદ્ધતિથી સારવારને પ્રોત્સાહન તેમજ આરોગ્ય માનવ સૂચકઆંક સુધારવા સઘન પ્રયાસોના અમલ કરવાની ખાતરી ચૂંટણી ઢંઢેરાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી.