Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિકયુરીટી ગાર્ડની નોકરી મેળવવા હજારો લોકોના જીવ મુકયાં જોખમમાં

અમદાવાદના મટોડા નજીક રેલવે ટ્રેકના એંકર ઉખાડી ટ્રેનને ઉથલાવી પાડવાના કાવતરામાં ચોંકાવનારો ખુલાસો થયો છે

X

અમદાવાદના મટોડા નજીક રેલવે ટ્રેકના એંકર ઉખાડી ટ્રેનને ઉથલાવી પાડવાના કાવતરામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને બે આરોપીઓએ રેલ્વેમાં સિકયુરીટી ગાર્ડની નોકરી મેળવવા આ કાવતરૂ ઘડયું હોવાની વિગતો સપાટી પર આવી છે. રેલ્વે પોલીસે મટોડા ના રહેવાસી પ્રહલાદ મકવાણા, પરબતભાઇ ચુનારા અને સંદીપ મકવાણા નામના આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ રેલ્વે ટ્રેકની દેખરેખ રાખવા માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. આરોપી પ્રહલાદ આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અન્ય બે આરોપીઓ સંદીપ મકવાણા અને પરબતચુનારા કે જે પ્રહલાદના મિત્રો છે. તેઓ પ્રહલાદ પાસે સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી માટે આવ્યાં હતા જો કે હાલમાં નોકરી માટે કોઈ જગ્યા ખાલી નહિ હોવાથી બંનેને નોકરી મળી શકે તેમ ન હતું. જેથી પ્રહલાદે બંનેને એક આઇડીયા આપ્યો હતો. પ્રહલાદે તેના બન્ને મિત્રોને મટોડા રેલવે સ્ટેશન ગેટ નંબર 45 / સી થી મોરૈયા રેલવે સ્ટેશન તરફ જવાના રેલવે ટ્રેક પર કોઇ સિકયુરીટી ગાર્ડ નથી. જેથી આ સ્થળેથી રેલવેના એંકર ઉખાડી નાંખો જેથી આ ઘટના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવે અને સિકયુરીટી ગાર્ડની વેકેન્સી પડે.. પ્રહલાદથી સુચનાથી પરબત ચુનારા અને સંદીપ મકવાણાએ હથોડાથી 268 જેટલી એંકર કલીપો કાઢી નાખીને આસપાસની ઝાડી ઝાંખરામાં નાંખી દીધી હતી. હાલમાં રેલવે પોલીસે ચોક્કસ માહિતી આધારે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓના કૃત્યથી મોટો ટ્રેન અકસ્માત થવાની સંભાવના હતી પણ સદનસીબે કોઇ હોનારત થઇ ન હતી.

Next Story