/connect-gujarat/media/media_files/2025/12/29/frcc-2025-12-29-12-32-53.png)
ખાનગી શાળાઓ નિયત ફી છુપાવીને વાલીઓ પાસેથી વસૂલાતી હતી,વધુ ફી અને વાલીઓ છેતરાય નહીં તે માટે FRCએ કર્યો નિર્ણય, 5780 ખાનગી શાળાઓની ફી frcgujarat.org પર જાહેર કરવામાં આવી છે.
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે. પરંતુ હવે અમદાવાદ સહિત રાજ્યની એક પણ ખાનગી સ્કૂલ FRCએ નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં. વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી તેમની સ્કૂલની ઓનલાઇન જ ફી જોઈ શકશે. અમદાવાદ ઝોનની FRC દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં 5.780 ખાનગી સ્કૂલોની ફ્રી જાહેર કરી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ તમામ ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર કરાઈ રહી છે. વાલીઓની ખિસ્સા ખંખેરતી ખાનગી સ્કૂલોને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા વર્ષ-2017માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
હવે અમદાવાદ સહિત રાજ્યની તમામ ખાનગી સ્કૂલોની નક્કી થતી ફી FRCની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાય છે. જેથી વાલી-વિદ્યાર્થી ફી અંગે સરળતાથી વાકેફ થઇ શકશે. નિયત ફી કરતાં જો સ્કૂલ દ્વારા વધુ ફી વસુલાતી હશે તો વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકશે. જેથી નિયત ફી કરતાં વધુ ફી વસૂલનારા સંચાલકોની આપ મેળે પોલ ઉઘાડી પડશે અને અધિકારી તેમજ નેતાઓ પણ આવી સ્કૂલોને બચાવી નહીં શકે.
FRCની સત્તાવાર વેબસાઇટ 'fregujarat.org' પર તમામ ખાનગી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી છે. આ વેબસાઈટ પર જિલ્લો-મ્યુનિ, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ નાખવાથી FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર ખુલશે. આ ઓર્ડરમાં ધોરણ તેમજ વર્ષ વાઇઝ ફીનું માળખુ હશે. આથી વિદ્યાર્થી તેમજ વાલી FRCએ નક્કી કરેલી ફી જાણી શકશે.