Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એસ. જી હાઇવે બે હિટ એન્ડ રન ની ઘટના, હાઇવે પર સ્પીડ નક્કી કર્યા છતાં લોકો ચલાવે છે બેફામ

અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે.

અમદાવાદ: એસ. જી હાઇવે બે હિટ એન્ડ રન ની ઘટના, હાઇવે પર સ્પીડ નક્કી કર્યા છતાં લોકો ચલાવે છે બેફામ
X

અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં બે હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના SG હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો 28 મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાં ટુ-વ્હીલર પર જઈ રહેલી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હતી.સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વેળાએ ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંનેને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે એસ.જી હાઈવે પર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જે બાદ માતા-દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ફરાર અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની પોલીસ તજવીજ હાથ ધરી હતી. તો અન્ય એક બનાવ વિશે વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અને નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતા સવિતાબેન મકવાણા ગત 28 મેના રોજ ટુ-વ્હીલર પર અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓને કારણે સવિતાબેનનું મોત નિપજયું હતું. તો અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story