Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા સન્માન સાથે તિરંગાનું વેચાણ શરૂ…

સમગ્ર ભારતમાં દેશને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે

X

સમગ્ર ભારતમાં દેશને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા તા. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પણ તા. 1 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રધ્વજના વેચાણની જોગવાઈ મુજબ 20 ઇંચ × 30 ઇંચના ધ્વજની જોગવાઈ કરવામાં આવી છે. જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજની કિંમત 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેના પણ કોઈપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવ્યો નથી. અહીં એક વ્યક્તિ 5થી વધારે રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે નહીં. જોકે, અત્યાર સુધીમાં 6 હજારથી વધુ તિરંગાનું વેચાણ થઈ ચૂક્યું છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેક જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસ ખાતેથી તિરંગા ખરીદનાર ગ્રાહક પણ આ વ્યવસ્થાથી ખુશ છે. ગ્રાહકોનું કહેવું છે કે, અહી ખાસ તો લોકોને લાઇનમાં ઊભું રહેવું પડતું નથી, અને સન્માન સાથે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે તેઓ એ વાતથી પણ ખુશ છે કે, હવે દેશના દરેક ઘરે દેશની શાન તિરંગા ફરકશે. આમ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ સહિત રાજ્યભરની પોસ્ટ ઓફીસ કાર્યરત થઈ છે.

Next Story