અમદાવાદ : બેકાર બનેલાં યુવાનો ગુનાખોરીના માર્ગે વળ્યાં, વેપારી પાસે માંગી હતી ખંડણી

ક્રાઇમ બ્રાંચે આરોપીઓની કરી ધરપકડ, સગીર પાસે ફોન કરાવી અપાય હતી ધમકી

New Update
અમદાવાદ : બેકાર બનેલાં યુવાનો ગુનાખોરીના માર્ગે વળ્યાં, વેપારી પાસે માંગી હતી ખંડણી

અમદાવાદમાં મુર્તિ વેચવાનો વ્યવસાય કરતાં વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં ક્રાઇમ બ્રાંચે મુખ્ય સુત્રધાર સહિતના આરોપીને ઝડપી પાડયાં છે. મુખ્ય સુત્રધાર વેપારીનો સંબંધી જ છે અને લોકડાઉનમાં દેવું થઇ જતાં તેણે ખંડણી માંગવાનું કાવતરૂ ઘડી કાઢયું હતું.

નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માંગી ગબબર નામના શખશે ફાયરીગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરતા ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીના માથે દેવું થઈ જતા તેના જ સંબંધી પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.જગદીશ ઉર્ફે મોનું પ્રજાપતિ તથા તેના સાગરિતોએ ભેગા મળી ખંડણી માંગવાનો કારસો રચ્યો હતો. જગદીશએ 10 હજાર રૂપિ્યા આપી સગીર આરોપી પાસે વેપારીને ધમકીભર્યો ફોન કરાવ્યો હતો. જે ફોનથી વેપારીને ધમકી આપવામાં આવી તે ફોન મણિનગર પાસે આવેલી એક હોસ્પિટલ નજીક ફુલની લારી પરથી ચોરી કરવામાં આવ્યો હતો.

હવે જાણીએ કે કેમ જગદીશે તેના જ સ્વજન પાસે ખંડણી માંગી... જગદીશને લોકડાઉનના લીધે પાંચેક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. દેવાની ભરપાઇ કરવા તેણે પોતાના જ સંબંધી પાસેથી માતબર રકમની ખંડણી માંગવાનું નકકી કર્યું હતું. આરોપીઓએ યુપી ખાતે જઈને એક દેશી બનાવટનો તમંચો, પાંચ કારતુસ ખરીદ્યા હતાં. બંને સગીર આરોપીઓએ અલગ અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કર્યા હતાં. તેમણે ચોરી કરેલા મોબાઈલ ફોન મુખ્ય આરોપીને આપ્યો અને તેણે આ ફોનથી ધમકી આપવામાં આવી હતી. આ કામ માટે જગદીશે બંને સગીરોને 10 હજાર રૂપિયા ચુકવ્યાં હતાં. હાલ બંને સગીર આરોપીઓને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી અપાયાં છે.