-
તા. 26 ફેબ્રુઆરી, એટલે અમદાવાદનો સ્થાપના દિવસ
-
તો બીજી તરફ, મહાશિવરાત્રિ મહાપર્વની પણ ઉજવણી
-
મનપા, માણેક બુરજના વંશજો, નગરજનો દ્વારા ઉજવણી
-
નગરદેવી ભદ્રકાળી માતાના રથની નગરયાત્રા નીકળી
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ઉજવણી કરવામાં આવી
આજરોજ તા. 26 ફેબ્રુઆરી, એટલે અમદાવાદનો સ્થાપના દિવસ, તો બીજી તરફ, મહાશિવરાત્રિનું મહાપર્વ છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા, માણેક બુરજના વંશજો તેમજ નગરજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
તા. 26મી ફેબ્રુઆરી, વર્ષ 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરી હતી. આજના દિવસે માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચડાવી આરતી કરવામાં આવે છે.
તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા, જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાં, શરણાઈ, ધજા-ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા. નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ નિજ મંદિરે પરત પહોચી હતી, જ્યાં હવન અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.