અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બે દર્દીના મોતના મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.જેમાં મૃતકના સગાઓએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત હોસ્પિટલમાં જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.10 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જ્યારે મૃતકોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.
પરંતુ તેમ છતાં તેમના પરિવાર માંથી કોઈને જાણ ન કરવામાં આવી નહતી. તેમણે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું.જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી. તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે અન્ય પાંચ દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એક્શન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરાશે. જે ડોકટરો એ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઈ શકે છે.