અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલાં "જમાઇ"એ સાસુને છરીના ઘા મારી પતાવી દીધી

અમદાવાદમાં જમાઇએ સાસુ અને સસરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી સાસુએ દમ તોડી દીધો છે

New Update
અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલાં  "જમાઇ"એ સાસુને છરીના ઘા મારી પતાવી દીધી

અમદાવાદમાં જમાઇએ સાસુ અને સસરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી સાસુએ દમ તોડી દીધો છે. પોલીસે હત્યારા જમાઇની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ હવે ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. તાજેતરમાં એક જ અઠવાડિયામાં ચાર ચાર હત્યાના બનાવ બન્યા છે. હવેલીમાં અને રખિયાલમાં મોબાઈલ ચોરીની શંકા રાખી બે લોકોની તેમજ સાબરમતીમાં રેલવે કર્મીની હત્યા કરાઈ હતી. ત્યારે હવે બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. બાપુનગરમાં રહેતાં ટીનાભાઇ રાજભરની દીકરીના લગ્ન દીપુ પગી સાથે થયાં હતાં..

દીપુ પગી ચોરીના રવાડે ચઢી ગયો હતો. ઓઢવ પોલીસ સ્ટેશનમાં રીક્ષાની ચોરીમાં પકડાયો હતો. દીપુ ગુનાખોરીના રવાડે ચઢી ગયો હોવાના કારણે પત્ની પિયર બાપુનગર ખાતે રહેવા આવી ગઇ હતી. દીપુએ અન્ય એક છોકરી સાથે લગ્ન કરી લીધા હોવા છતાં વારંવાર પિયરમાં આવી ધાંધલ-ધમાલ મચાવતો હતો. રવિવારે રાત્રિના સમયે ટીનાભાઇ ઘરની બહાર બેઠા હતાં ત્યારે દીપુ પગીએ આવી હંગામો કર્યો હતો. ટીનાભાઇએ દીપુને ઠપકો આપતાં તે ઉશ્કેરાય ગયો હતો અને છરી કાઢી સસરા ટીનાભાઇને મારવા લાગ્યો હતો દરમિયાન સાસુ સાવિત્રિબેન બચાવવા દોડી આવ્યાં હતાં પણ તેમના ઉપર પણ છરીથી હુમલો કરાયો.. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં પણ સાવિત્રીબેનનો જીવ બચાવી શકાયો ન હતો. હાલ તો પોલીસે હત્યારા જમાઇની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Latest Stories