ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરક્રમ દિવસ તેમજ પરીક્ષા પર ચર્ચાની સાતમી આવૃતિ અંતર્ગત અંકલેશ્વર ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ અને અંકલેશ્વરની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય વિદ્યાલય-ONGC અંકલેશ્વર, નવોદય વિદ્યાલય રૂપનગર, શ્રીમતી ચંપાકલી ખેરુકા જ્ઞાન જ્યોતિ હાઈસ્કૂલ-ગોવાલી, પબ્લિક સ્કૂલ-ખરોડ, શ્રી ગટ્ટુ વિદ્યાલય-અંકલેશ્વર, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખરચ અને કેસરોલ, જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચ, બાલભારતી પબ્લિક સ્કૂલ-એનટીપીસી-ઝાનોર, ચંદ્રબાલા મોદી એકેડેમી-અંકલેશ્વર, એમીટી સ્કૂલ-ભરૂચ સહિતની શાળાના 100થી વધુ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય વિદ્યાલય-અંકલેશ્વરના આચાર્ય રમેશ પ્રજાપત દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. જે બાદ શાળાના શિક્ષક મહેન્દ્ર ભાટી દ્વારા કલા સ્પર્ધાના નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ શાળાના આચાર્ય રમેશ પ્રજાપતે સ્પર્ધાનું મહત્વ સમજાવી સ્પર્ધકોને ચિત્રકળા સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 100 સ્પર્ધકો પૈકી ઉત્કૃષ્ટ ચિત્ર કંડારનાર 5 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આચાર્યના હસ્તે તમામ 95 સ્પર્ધકોને પરીક્ષાયોદ્ધા અને સ્વાતંત્ર્ય સેનાનીનું પુસ્તક આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે 2 સ્પર્ધકોએ પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા હતા. અંતે શાળાના આચાર્ય રમેશ પ્રજાપત અને શિક્ષિકા તસ્લીમ બોરાના વક્તવ્ય સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.