રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર 24 કલાકમાં નવા 48 કેસ નોંધાયા છે. જૂનના એક અઠવાડિયામાં જ 262 કેસ નોંધાતા ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ફરી કોરોના કેસ ડબલ ડિજીટમાં આવવા લાગ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતર્ક બન્યું છે. શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ અને કાલુપુર ખાતે ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં પ્રથમ દિવસે 74 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમના રિપોર્ટ 24 કલાક બાદ આવશે. ટેસ્ટિંગ ડોમમાં કાર્યરત AMCના કર્મચારીએ જણાવ્યુ હતું કે, અહીં RTPCR રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, અને સવારના સમયે જ 10થી 12 રિપોર્ટ કરવામાં આવે છે.
જોકે, હવે કોરોનાના કેસ સતત વધતા અમદાવાદનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અમદાવાદ કોરોના કાળમાં એપી સેન્ટર બન્યું હતું, પણ સમયની સાથે કોરોના સમાપ્ત થવાની કગાર પર આવી ગયા હતા, ત્યારે હવે અચાનક જ અમદાવાદમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જેના કારણે શહેરના બસ ડેપો અને રેલ્વે સ્ટેશન ખાતે વિનામુલ્યે લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યના અલગ અલગ જિલ્લા અને રાજ્ય બહારથી હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે કોરોના સંક્રમણ વધારે ન ફેલાઈ તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.