પ્રધાનમંત્રીનો ભારતને ટીબી મુક્ત કરવાનો નિર્ધાર
ગુજરાતની ટીબી મુક્ત અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી
ટીબી નાબૂદી અભિયાનમાં હાંસલ કર્યો 95 ટકા લક્ષ્યાંક
રાજ્યએ અંદાજે 1.35 લાખથી વધુ ટીબી દર્દીઓની ઓળખ કરી
1.24 લાખથી વધુ દર્દીઓની સંપૂર્ણ સારવાર કરવામાં આવી
ગુજરાતે ટીબી-મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વર્ષ 2024માં ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીના 95 ટકા લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. રાજ્યએ અંદાજે 1 લાખ 35 હજારથી વધુ ટીબી દર્દીઓની ઓળખ કરી છે. અને 1 લાખ 24 હજારથી વધુ દર્દીઓની સંપૂર્ણ સારવાર કરી છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગુજરાતે ટીબી દર્દીઓની ઝડપથી ઓળખ કરીને તેમનો મફત ઈલાજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યમાં વ્યાપક સ્તરે સ્ક્રીનિંગ અને નિદાનની કામગીરી ચાલી રહી છે, જેના લીધે ટીબી નાબૂદીનો માર્ગ મજબૂત થયો છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ખાંસી, કફ, તાવ અને અચાનક વજન ઘટવું એ ટીબીના લક્ષણો છે અને તે લક્ષણોને આપણે અવગણવા ન જોઈએ. મહત્વની વાત એ છે કે વહેલી ઓળખ અને સારવારથી ટીબીને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે.
ટીબી દર્દીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દવા અને પૌષ્ટિક આહાર માટે દર મહિને 1,000 રૂપિયાની સહાય આપે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા દર્દીઓના બેંક ખાતામાં જમા થાય છે, જે સારવારના સમગ્ર સમયગાળા સુધી ચાલુ રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી છે. ગુજરાતે આ પડકારને પહોંચી વળવા નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી છે અને તેમના દ્વારા 3,49,534 પોષણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, આ સિદ્ધિઓ સાથે ગુજરાત આજે ટીબી નાબૂદીના પ્રયાસોમાં દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે.