ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ આ અભિયાનમાં ભાગીદાર બનવા જઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કારના રાજ્યવ્યાપી અભિયાનને અનુલક્ષીને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર-મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં તા. 1 ડિસેમ્બર-2023થી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા. 1 જાન્યુઆરી સુધી ચાલશે. તા. 1 જાન્યુઆરી-2024ના રોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે. જેમાં ભરૂચના જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંન્ને કાર્યક્રમનો સમય સવારે 8થી 9.40 કલાક સુધીનો રહેશે તેમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.